Monday, September 17, 2012

તમે વાતો કરો તો થોડું સારું લાગે


તમે વાતો કરો તો થોડું સારું લાગે;
આ દૂરનું આકાશ મને મારું લાગે.

વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;

ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે;

રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયુખું તો તુલસીનો ક્યારો;

તારી તે વાણીમાં વ્હેતી મુકું છું હું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે

સુરેશ દલાલ

કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે


કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

આસપાસ દર્પણનો આભાસી તડકો,
તું સૂરજ ના હોવાની ધારણા
લાગણીનું રણમાં ચણાતું મકાન
પારદર્શકતા સગપણનાં બારણાં

પડઘાતી દૂરતા નેવાંની ધારમાં,
ને ધોધમાર રોજ કોઈ વરસે..
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

રોજરોજ આંખ્યુંમાં ઈચ્છાનું પક્ષીઓ
મળવાનું આભ લઈ આવતાં
આપણા સંબંધ સખી એવા કહેવાય,
જાણે શીર્ષક વિનાની કોઈ વારતા

એકાદી આંગળીને બંસી બનાવી
કોઈ ફૂંકો તો ગોકુળ સળવળશે…
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે

- વીરુ પુરોહિત

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા


તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા
પડતર જમીન સમા યાતરી
તમે આવળના ફૂલ સમું એવું જોતા કે જાણે
મળતી ન હોય પીળી ખાતરી.

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે,
ને એમ દિવસો ગણતા કે હજી કેટલાં?
ને તમે દીધાં સંભારણાના પડદા ઉંચકાય નહીં,
લોચનમાં થાક હતા એટલા.

અમે પીછું ખરે ને તોય સાંભળી શકાય
એવા ફળિયાની એકલતા ભૂરી
તમે ફળિયામાં આવીને એવું બેઠા કે
જાણે રંગોળી કોઈ ગયું પૂરી

તમે અણધાર્યા વાદળની જેમ ચડી આવ્યા
ને અભરે ભરાઈ ગયાં આભલાં

- અનિલ જોશી

Friday, September 7, 2012

છટકબારી


તને કોઈ પ્રશ્નો નથી,
કોઈ શંકા
કે કોઈ બીજો વિચાર પણ નથી.
પણ મને છે.
હા, છે.
મોટા ભાગે તો છે જ.
પણ છે તો કેમ છે
એ ખબર નથી.
તું કાચ જેવું સ્વચ્છ વહે છે,
પણ
બધાં પાણી સ્વચ્છ તો નથી હોતાં ને ?
હું સ્વચ્છ નથી.
હા, નથી.
મોટા ભાગે તો નથી જ.
પણ નથી તો કેમ નથી
એ પણ ખબર ક્યાં છે જ ?
માસ્ટર તો સ્કૂલમાં
સરખું જ ગણિત ભણાવે છે
પણ
બધાના માર્ક્સ કંઈ સરખા આવે છે ?
સંબંધોના સમીકરણ સાચા માંડવા હોય
તો
દુનિયાના લીટા ભૂંસીને
સ્લેટ કોરી કરવી પડે.
તારી એ તૈયારી છે… પૂરેપૂરી છે.
પણ મારી ?
.
.
.
એક કામ કરીએ…
હું દોસ્તીના દરવાજા ખોલી દઉં છું,
તું પ્રેમનો પવન થઈને આવ્યા કરજે…

- વિવેક મનહર ટેલર
(૦૯-૦૪-૨૦૧૧)

નાથ


નાથ, રમો નહીં આવી રીતે મુજ વિશ્વાસની સાથે,
ખતરનાક આ ખેલ છે મારા નાજુક શ્વાસની સાથે,

ખેંચ ખેંચ કરો મા ઝાઝું, તૂટી જશે એ તંત,
બિસથીયે નાજુક છે, એને છેડોના ભગવંત !
કઠણ કરો ના કો અજમાઈશ મુજ કુમળાશની સાથે….

શ્રદ્ધા મારી તૂટી જશે જો તમ ચરણોથી નાથ !
ખીલો મારો છૂટી જશે તો આ ભૂમા સંગાથ
નાતો નહીં રહે કોઈ ધરા કે તમ આકાશની સાથે…..

તમ ચરણે વિશ્વાસ છે, તેથી સૌ સંગે સંબંધ,
તૃણથી તે તારા લગ તેથી મારો મમતાબંધ,
ગાંઠ છૂટે તો શ્વાસ તૂટે શું કરશો લાશની સાથે ?…..

નાજુક શ્વાસના તાર ઉપર મેં છેડ્યું’તું તમ ગીત,
ઉચ્છલ છંદની છાલક છોળે છલકાવી’તી પ્રીત.
અવ તૂટતે લય અદ્ધર લટકું અંતિમ પ્રાસની સાથે….

નાથ, રમો નહીં આવી રીતે મુજ વિશ્વાસની સાથે,
ખતરનાક આ ખેલ છે મારા નાજુક શ્વાસની સાથે.

તું આવજે…


ન મુંબઈની ફેશન, ન સુરતના પકવાન, ન ગુલમર્ગથી મોસમ મોકલાવજે,
તું બસ, આવજે !
ને તું તને જ તારી સાથે લાવજે.

પાસે બેસે તો મારી સાથે જ રહેજે
ને જુએ જો ક્યાંય, મારી આંખમાં;
ચાખે તો માત્ર મારા હોવાનું એઠું બોર,
અવર કશાની તમા રાખ મા.
દુનિયાની સાવ છેલ્લી ચૉકલેટ ન હોય, એમ ધીમે ધીમે તું મમળાવજે.
તું બસ, આવજે !

તારે હજ્જાર કામ, તારે હજ્જાર ધામ,
મારે તો એક તારું નામ;
ઓતપ્રોત ઓગળવું સમજાવું તુજને પણ,
બે જ ઘડી આવે જો આમ.
રસ્તો બનીને જો દોડતો તું હોય, મને માઇલસ્ટૉન સાથે સરખાવજે.
તું બસ, આવજે !

ઉગમણે-આથમણે પડછાયો ચિરાતો,
કોઈ એક દિશામાં સ્થાપ;
સિક્કાની તકદીરમાં એક સાથે કેમ કરી
હોવાના કાટ અને છાપ?
‘હા’-'ના’ના વમળોમાં ડૂબવાને બદલે તું મોજના હલેસાં ચલાવજે…
તું બસ, આવજે !

- વિવેક મનહર ટેલર
(૧૯/૨૫-૦૮-૨૦૧૨)

Thursday, June 24, 2010

વરસાદે દીધી તાલી

આખો વરસાદ તારા ભાગમાં આવ્યો,
ને મારા ભાગનું ખાબોચિયુંય ખાલી;
કે મને તારા વરસાદે દીધી તાલી.

ચોમાસુ પોંખવાને રાત અને દિ’, અમે આકરા તે કીધાં’તાં તપ,
તોય કમજાત તારા શહેરમાં પડ્યો, ને મારા ગામડાના એળે આ જપ.
ઓણસાલ ચોમાસુ આભમાં નહીં, ને મારી આંખોમાં બેઠું છે ફાલી.
કે મને તારા વરસાદે દીધી તાલી.

ફરતો કસુંબો છે મારા તે હેતનો, તારી તે પ્રીત કેરા ડાયરા,
ચૂંદડી ને ચોખાની આણ છે તને, ઝટ વહેલા ભરાવ મારા માયરા.
થોડી લીલોતરી બાગમાં હતી, એય મેલીને આજ મને ચાલી.
કે મને તારા વરસાદે દીધી તાલી.

- જતીન બારોટ