Saturday, September 29, 2012

મારા વગર


કહેતા તો કહી દીધુ તમે કે જીવી લેશો મારા વગર ...,
પણ એમ તો કહેતા જાવ કે કેમ જીવાશે મારા વગર...?
દર પરોઢે આદત છે તમને જોવાની મને...,
તો કેમ થશે પરોઢીયુ તમારુ એક માત્ર મારા વગર...?
નથી સાચવી શકતા પોતાની જાત ને એક પળ માટે...,
તો કેમ સાચવશો આખી જીંદગી ખુદ ને મારા વગર...?
હુ જાણુ છુ કે નથી અટકતી જીંદગી કોઇની કોઇના વગર...,
પણ શુ ચાલશે તમારી જીંદગી મારા વગર...?
આપો ખાતરી કે ખુશ રહેશો મારા વગર...,
તો હુ જ આપીશ પરવાનગી જીવવાની મારા વગર...,
શુ કહેવુ જરૂરી હતુ કે "હુ પ્રેમ કરુ છુ તમને"...,
કેમ તમે ના સમજી શક્યા એને કઇ કહ્યા વગર...?
લખેલા શબ્દો તો કોઇ પન વાંચી સંભળાવશે...,
પણ તમે જ કહો કે કોન લખશે આમ કવિતા એક માત્ર મારા વગર...???

Wednesday, September 26, 2012

રહેવાય નૈ


એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈ,
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈ.
ખૂબ ઊંડેથી તને હું સાદ દઉં છું ને છતાં,
તું મળે પ્રત્યક્ષ ત્યારે ‘કેમ છે?’ પુછાય નૈ.
રાહ તારી જોઉં કે નીરખું કે હું ઝંખું તને ,
ત્રણ ઘટાનાઓથી આગળ આ કથા કંઈ જાય નૈ.
હુંય એ જાણું જ છું કે તું બધું જાણે જ છે,
તુંય એ જાણે જ છે કે કંઈ બધું કહેવાય નૈ.
એટલી નાજુક છે તારી નિકટતા, કે તને-
એ તૂટી જાવાના ડરથી સ્પર્શ પણ કંઈ થાય નૈ.

એક દી તું આ નજરથી દૂર થઈ જાશે અને
હું કહી પણ ના શકીશ કે કંઈ મને દેખાય નૈ.
મ્ હેકતો ગજરો હશે તારી લટોમાં ને અહીં-
એ સ્થિતિ મારી હશે કે શ્વાસ પણ લેવાય નૈ.
આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નૈ , સહેવાય નૈ, સમજાય નૈ.

પ્રેમ

એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.

આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.

આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.

તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.

માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.

Tuesday, September 25, 2012

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?


આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના, એક જ ઘટના
ભીતર એક જ નામની રટના, નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?    

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?    

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

- સુરેશ દલાલ

આ ગીત તમને ગમી જાય તો કહેવાય નહી


આ ગીત તમને ગમી જાય
તો કહેવાય નહી,
કદાચ મનમા વસી જાય
તો કહેવાય નહી.

ઉદાસ, પાંદવિહોણી બટકણી ડાળ પરે,
દરદનું પંખી ધરે પાય ને ચકરાતું ફરે,
તમારી નજરમાં કોણ કોણ, શું શું તરે ?

આ ગીત એ જ કહી જાય
તો કહેવાય નહી,
જરા નયનથી વહી જાય
તો કહેવાય નહી.

ઉગમણે પંથ હતો, સંગ સંગમાં ગાણું,
વિખૂટી ખાઈમાં ખુશીનું ગાન ખોવાણું,
પછી મળ્યું ન મળ્યું કે થયું જવા ટાણું ?

ખુશી જો ત્યાં જ મળી જાય
તો કહેવાય નહી,
આ ગીત તમને ગમી જાય
તો કહેવાય નહી.

- મકરન્દ દવે

Tuesday, September 18, 2012

એકાંતે તરસું છું હું.


વ્હાલમને મારા વરસાદ નથી ગમતો
એનું કારણ પૂછું તો કહે તું,
વરસે વરસાદને મળવા ન જાઉં તોયે
એકાંતે તરસું છું હું.

ઉંબર ઉંચેરા લાગે છોકરીની જાતને
સમજે નહીં વ્હાલમજી વહેવારૂ વાતને,
મારે વ્હાલમને કહેવું રે શું?
એકાંતે તરસું છું હું.

વાદળ ના હોય તોય કોરી ક્યાં જાઉં છું
મળવા આવું છું ત્યારે હું યે ભીંજાઉ છું,
મારે કરવું તો કરવું યે શું?
એકાંતે તરસું છું હું.

મળવા આવું ને પછી વરસે વરસાદ જો
પાછા જવાનું મને આવે ના યાદ તો,
કોઈ ગમતું મળે તો કરું શું?
એકાંતે તરસું છું હું.

- તુષાર શુક્લ

Monday, September 17, 2012

જગત જ્યારે


જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.

છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.

આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.

આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.

-વિવેક મનહર ટેલર