Thursday, June 24, 2010

વરસાદમાં

શૈશવ મને બસ સાંભરે વરસાદમાં,
ને પીઢતા પણ કરગરે વરસાદમાં.

તારૂં અહીંથી દૂર હોવું શ્રાપ છે,
નાજુક બદન આખું બળે વરસાદમાં.

એ પારદર્શક આવરણનું તૂટવું,
ને શખ્સ બીજો સળવળે વરસાદમાં.

સંવાદ ધરતી ને ગગનનો સાંભળું,
ટહુકા પ્રણયનાં પાંગરે વરસાદમાં.

થીજી ગયેલા વાદળાં પડખું ફરે,
ભૂતકાળ મારો વિસ્તરે વરસાદમાં.

- અશોક પંચાલ

છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં !


હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયા,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ, પછી ફરફરતી યાદ; એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં,
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઈને આવે ઉન્માદ એવું કાંઈ નહીં;
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘુંટીને સાનભાન ખોતું નથી;
કોઈના પાલવની ઝૂલ, ભીનીભીની થાય ભૂલ, રોમેરોમે સંવાદ એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

વરસાદ !!!

લીલાછમ પાંદડાએ મલકાતાં મલકાતાં
માંડેલી અચરજની વાત
ધરતીને સીમમાં જોઈ એકલી એને
બાઝી પડ્યો વરસાદ

પહેલી ટપાલ જેમ આવેલા વાયરાએ
ઘાસના કાનમાં દીધી કઈ ફૂંક
ધરતી તો સાંભળતા સાંભળે એ પહેલા
કોયલના કંઠમાંથી નીકળી ગઈ કુક
આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી
ધરતીની આવી ગઈ યાદ ...

ડુંગરાઓ ચુપચાપ સ્નાન કરે જોઈને
નદીઓ પણ દોડી ગઈ દરિયાની પાસે
એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને
પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાશે
ધરતીને નારઓ ફૂટશેના વાવડથી
આભલામાં જાગ્યો ઉન્માદ.....

પેલો વરસાદ

પેલો વરસાદ એક વરસે આવે છે
તું તો રોજ મને આવી ભીંજવતી...
નિતરેલું ઝાડ જેમ ઊજવે ઊઘાડ
એમ લટકામાં પાછું ખીજવતી....
પેલો વરસાદ મને ખૂબ જ ગમે છે

કારણ કે ગમે છે તું....

હાથ તારો પકડીને આટલું ના બોલાયું
એમાં તો થઈ ગયું શું ?
ધરતીની તરસથી ઓળખાતો હું
ને તારે નામે છે દરિયાની ભરતી...
પેલો વરસાદ....

ઘેરાયા વિના પણ વરસી શકે છે

મને એની લાગે છે નવાઈ,
છત્રીને બંધ કરી હૈયું ખોલું છું
એ જ મારી સાચી કમાઈ...
હું જ મને શોધવાને આમ-તેમ ફરતો
ને તું જ મને સામેથી જડતી.....
પેલો વરસાદ...

ઓનબીટ
‘ભર વરસાદે અમે કોરા રહ્યાં
કોઈએ છત્રી ધરી પલળી ગયા !’
- કિસન સોસા

Saturday, May 1, 2010

સ્વર્ણિમ ગુજરાત

ભારતને એકમત કરી
આઝાદી જીત્યું ગુજરાત

સંસ્કૃતિ-સત્કારનાં ગુણથી
વિશ્વમાં વખણાયું ગુજરાત

અહીં વસનાર દરેકના ઉરમાં
પ્રગતિ બની ઉગ્યું ગુજરાત

પ્રત્યેક અવરોધ દૂર કરી
જોજનો આગળ વધ્યું ગુજરાત

આગળ વધીએ વધતાં રહીએ
સ્વર્ણિમ સંકલ્પ ભર્યું ગુજરાત

તારું ગુજરાત મારું ગુજરાત
ગૌરવસભર આપણું ગુજરાત

"સાહિત્ય સિટી" તરફથી આપ સૌને
સ્વર્ણિમ ગુજરાતની ઘણી ઘણી શુભેચ્છા.

Monday, August 24, 2009

સાવ સમીપે તારી છું

સાવ સમીપે તારી છું
હું યમુના- જળની ઝારી છું.
મોરપિરછ ધારીને આવ્યા
મુરલીના સૂર પાસે,
કોણ હવે છે રોમરોમમાં
કોણ રમે છે શ્વાસે?
ખુલ્લી એક અટારી છું.
સાવ સમીપે તારી છું.
દ્રાક્ષ સરીખી એક એક ગોપી
ને મીરાં છે રુદ્રાક્ષ,
તાપ અને સંતાપ ટળ્યા
ને હરિવરની છે હાશ.
અલ્લડ ને અલગારી છું
સાવ સમીપે તારી છું.

-તુષાર શુકલ

પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી


પ્રેમમાં તો એવું યે થાય છે
સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે.
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી
ઉડવાનું સંગાથે થાય છે.
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
આકાશે આષાઢી વાદળનો વૈભવ
ને છાતીમાં અણજાણ્યો ડૂમો
ઝરમરની આંખોમાં જામે તૈયારી
તમે પાલવને એકલાં જ ચૂમો
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે
એવું પથારીમાં લાગે
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને
કંઠે કોઈ શોષ બની જાગે
ત્યારે અંદર વસંત કોઈ ગાય છે
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
ઓરડાની એકલતા થથરાવી જાય અને
હૈયું આ સાથ કોઈ માગે
હાથ મહીં હાથ હો ને ગમતો સંગાથ હો
તો રુંવાડે આગ કોઈ જાગે
ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
મોસમ બદલાય ભલે, મનડું બદલાય નહીં
પ્રીત તણી રીતો બદલાય છે
પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ,
બસ એવું એવું પ્રેમમાં તો થાય છે
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
-તુષાર શુકલ