Friday, April 17, 2009

ચૂંટણી

અત્યારે ચૂંટણી નો સમય છે ત્યારે ચાલો માણિયે થોડુક ચૂટણી વિષે.

ગાંધીને ઍ માનનારો, ગાંધીને ઍ પૂજનારો
ખુરશીને કાજ, આજે ઍ ગાંધીને જ વેચે
ચૂંટણીઓ આવતા સભાઓ ગજાવતો
મનનો ઍ મેલો, કપડાં તો ઉજળા જ પહેરે
બધાથી અલાયદો, જોરશોરથી કરે વાયદા
થતાં જ પુરી ચૂંટણી, સંકેલી ખીસ્સામાં મેળે છે
જનતાને છેતરતો, નીતનવા કૌભાંડો આચરતો
દેશને તો બાપાનો દાટેલો ખજાનો લેખે છે
નહીં થાય ઍના પૂરા, રહેશે ઓરતા અધૂરા
ઍ વ્હાલાની લીલને ઉપરવાળોય દેખે છે.

Thursday, April 16, 2009

ધરતી

કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે
અમારા દેહમાં ઍની જે તો ખુશબૂ લપાઈ છે
ખરેખર તો હવે કૈં રંગમાં આવ્યા છે સંબંધો
વતન સાથે અમારે 'જગત' લોહીની સગાઈ છે

કેટલાય દિવસોથી

કેટલાય દિવસોથી
પાસે બેસી રહીને ચૂપચાપ
જોયુ નથી તારું મુખ
તને મેં કહ્યું નથી હ્રદયનું દુઃખ
કેટલાય દિવસો પછી
આજે ફરી
ઍવુજ સુખ પામવાની
ઈચ્છા મનમાં છે.

Wednesday, April 1, 2009

વરસાદ ના સમ છે



હવે કહુ છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે
પછી હળવેથી સંકોચાવ ને વરસાદ ના સમ છે

તમોને રાત આખી રહી જવાના કોડ જા જાગ્યા
તમે પણ કહી દીધુ હવે જાવ ને વરસાદ ના સમ છે

તમે નખશીખ ભીંજાયા, અમે તો સાવ કોરાકટ
જરા ખોબો ભરી ને ન્હાવ ને વરસાદ ના સમ છે

તમે આપ્યા છે સમ એ સમનુ થોડુ માન તો રાખો
ચલો સમ તમે પણ ખાવ ને વરસાદના સમ છે.

તને ગીત દઉં કે ગુલાબ

તને ગીત દઉં કે ગુલાબ,
દઈ દે આજે મને તું જવાબ.

કંઠમાં ફસાયેલી લાગણીને સંભાળી
ટહુકો બનાવીને આપું,
ઊડું ઊડું થાય છે જે આંખોમાં
એની પાંખો બનાવીને આપું..

ઘૂંટવું હો નામ તારે કોરાં એક પાનાં પર,
આપી દઉં દિલની કિતાબ,
દઈ દે આજે મને તું જવાબ..

સદીઓ લાગી છે મને હોઠ ઉપર લાવવામાં,
એવો પૂછું છું સવાલ,
મારા ખયાલ બાબત તારો ખયાલ શું છે?
કહેવામાં થાય નહીં કાલ..

આજે ને આજે મને, ન્યાલ કર મીઠું હસી,
કહે છે તું તો છે હાજર જવાબ,
દઈ દે આજે મને તું જવાબ..

તને ગીત દઉં કે ગુલાબ,
દઈ દે આજે મને તું જવાબ.

છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે

છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે,
કેટલુંયે સમજાવ્યું છોકરીએ છોકરાને, છોકરો ન માને કોઈ વાતે.

ચોખ્ખી ચણાક સાવ સમજી શકાય એવી છોકરીએ પાડી’તી ‘ના’,
ગન્ના? ને ઘેર કદી રાણી ના જાય એમ છોકરાને સમજાવવું આ,
લો ગાર્ડન પાસેથી છૂટા પડ્યા’તા હજુ હમણા તો સાત સાડા સાતે.
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે…

મળવા છતાંયે જે ના બોલી શક્યો એણે સપનામાં કીધું મલકાતે,
ઓશિકા બદલે, ના સપના બદલાય મારી રાત હવે ગઈ ગયા ખાતે?,
‘ના’ પાડી તોયે આવી હાલત છે છોકરાની, ‘હા’ પાડી હોતે તો શું થાતે !
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે…

અણગમતું આવે કે મનગમતું આવે, એ સપનું છે સપનાની મરજી,
સપનું આ જેલ? આંખ કોઈથી ના ઉકલે, એ આંખો નથી રે કોઈ અરજી,
આંખોના સરનામે આવે સુગંધ, એને ઓળખવી પડતી રે જાતે.
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે…

પ્રેમ

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

-ડૉ. વિવેક મનહર ટેલર.

ગુજરાતી છું….

આખુંએ જગ લાગે પ્યારું ગુજરાતી છું,
ઈશ્વર પાસેનું ઘર મારું ગુજરાતી છું.

દુ:ખને દરવાજો બંધ કરી પીધું ગટગટ,
સુખને રાખ્યું છે સહિયારું ગુજરાતી છું.

આંખ ઝાટકી કાણાને કાણો કે’વાનો
બોલાશે નહીં સારું સારું ગુજરાતી છું.

સઘળી સગવડ સુરજની એને આપી છે,
મે’માન બને જો અંધારું ગુજરાતી છું.

અટકી જાતી પળ ને પૂરી થાતી અટકળ,
બસ ત્યાંથી ખુદને વિસ્તારું ગુજરાતી છું.

વિશેષણોના વન છે તારી આગળ પાછળ,
મેં તો કીધું છે પરબારું ગુજરાતી છું.

ચાંદા વચ્ચે ઘર બાંધીને રહું અથવા તો
આભ અગાસી પર ઉતારું ગુજરાતી છું.

– હરદ્વાર ગોસ્વામી