Wednesday, October 17, 2012

હવે તો મળવા આવીશ ને ?

અરે જાનું !! સો સોરી જાનું…બસ ?
તું મને મળવા આવીશ ને ?
“લવ યુ” કીધા વગર ફોન નહિ મુકું બસ ?
હવે તો મળવા આવીશ ને ?
તારા માટે સરસ ચોકોલેટ બ્રાઉની બનાવીશ બસ ?
હવે તો મળવા આવીશ ને ?
તને ખોટું લાગશે તો, દીકા-દીકા કહીને મનાવીશ બસ ?
હવે તો મળવા આવીશ ને ?
વહેલી સવારે, સૌથી પહેલો તને ફોન કરીશ બસ ?
હવે તો મળવા આવીશ ને ?
તારો ગમતો પેલો, ચેક્સવાળો શર્ટ પહેરીશ બસ ?
પછી તો મળવા આવીશ ને ?
દાઢી કરીને એકદમ મસ્ત થઈને આવીશ બસ ?
પછી તો મળવા આવીશ ને ?
બકુ, તને કેટલો પ્રેમ કરું છું…ખબર છેને ?
તારા “જીગર” ને મળવા આવીશ ને જાનું ? હેને ?

- જીગર બ્રહમભટ્ટ

Thursday, October 11, 2012

દરિયો


દરિયાને જોઇ હું તો દરિયો થઇ જાઉં
મને દરિયો દેખાય તારી આંખમાં
દરિયાનો દેશ પછી દરિયાનો વેશ પછી
દરિયો રેલાય મારી આંખમાં
દરિયાને જોઇ…
છીપલામાં સદીઓથી કેદ થઇ સૂતેલા
દરિયાને સપનું એક આવ્યું
બાઝેલી લાગણીની પીળી ખારાશ લઇ
માછલીને મીઠું જળ પાયું
માછલીની વાત હોય સાચી સાચી
ને એક સપનું ઘેરાય તારી આંખમાં
દરિયાને જોઇ…
ઓળઘોળ મોજાં ને ઓળઘોળ ફીણ પછી
ઓળઘોળ અંકાતી રેતી
ઝુકેલી ડાળખીને સાન-ભાન-માન નહીં
દરિયામાં વાત થઇ વ્હેતી
વ્હેતી એ વાત બની વાંસળીના સૂર
મોરપિઁછુ લહેરાય તારી આંખમાં
દરિયાને જોઇ હું તો…

Monday, October 8, 2012

સપનામાં આવું તો ચાલશે?


એય, તને મનમાં સમાવું તો ચાલશે?
રાતડીની નીંદર ને નીંદરમાં સપનાં,
ને સપનામાં આવું તો ચાલશે?

પ્રશ્નો પર પ્રશ્નો હું પૂછ્યાં કરું
ને બસ પૂછ્યાં કરું છું એ જ ધૂનમાં
સૃષ્ટિમાં રોજ તને નીરખ્યાં કરું
ને બસ નીરખ્યાં કરું છું તને તૃણમાં
એય, તને બોલાવું ત્યારે તું આવશે?

લાગણીના અણદીઠ્યાં શ્વેત શ્વેત રંગ મહિ
ઇન્દ્રધનુષી એક વાત
સંબંધો જોડવા ઇચ્છાઓ જન્મે
ને ઇચ્છાઓ થામી લે હાથ
એય, મારી ઇચ્છાનો બાગ હવે ફાલશે?

ઇચ્છાઓ જન્મે તો પૃચ્છાઓ જન્મે
ને પ્રશ્નાર્થને સમજી તો લે
ચૂપ ચૂપ રહીને પણ કહેવું જરૂર
એ ભાવાર્થને સમજી તો લે
એય,  સાથે રહેવું શું તને ફાવશે?

એય, તને મનમાં સમાવું તો ચાલશે?
રાતડીની નીંદર ને નીંદરમાં સપનાં,
ને સપનામાં આવું તો ચાલશે?

તને ખોટું જો લાગે તો હું શું કરું?


તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ.

રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊછળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.

- હિતેન આનંદપરા

પરવરદિગાર દે


બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.

તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઈખ્તિયાર દે.

આ નાનાં-નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

- મરીઝ

Sh

તો ચાલશે


સાવ નાનું ઘર હશે તો ચાલશે,
મોકળું ભીતર હશે તો ચાલશે.

બીજાની તકલીફ પણ સમજી જવાય,
એટલું ભણતર હશે તો ચાલશે.

હાથ જાણીતો ન હોવો જોઈએ,
પીઠમાં ખંજર હશે તો ચાલશે.

ધરતી કોરીકટ રહે તે કરતાં તો-
છાપરે ગળતર હશે તો ચાલશે.

હાથ લંબાવું ને તું હોય ત્યાં,
એટલું અંતર હશે તો ચાલશે.

પ્રાણ પૂરવાનું છે મારા હાથમાં,
એ ભલે પથ્થર હશે તો ચાલશે.

- હેમાંગ જોશી

Thursday, October 4, 2012

પડશે


શું કામ આંખ માં આવ્યું એ વિચારવું પડશે
બધા થી ગુપ્ત આ આંસુ નિતારવું પડશે

મીચાય આંખ, આ મનને મીચાય કેમ રમેશ
સમૂળગું જ હવે મનને મરવું પડશે

સ્વપ્નમાં જેમણે આખ્ખો બગીચો આપ્યો'તો
દીધું છે એમણે આ રણ, સ્વીકારવું પડશે

રમેશ, આપણા શરણે જ અંત આવ્યું છે
જહાજ આપણી શ્રદ્ધાનું તારવું પડશે

આગ ની છે રજૂઆત સાવ મૌલિક પણ
બળે છે તેમાં ઘર મારું એ ઠારવું પડશે

રમેશ, ભાગ જલ્દી ભાગ કોરા કાગળ માં
સમય નું ઝેર ચડ્યું છે ઉતરવું પડશે.

નિરાંતે સૂઈ જાજો શ્યામળા


આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા
અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા

આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવલાં
એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને કાઢું ક્યાં આરતનાં વેવલાં
આપણું તો હાલશે કે હાલી જાશે ને કાંક કરશું કે કરાવશું બાપલા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

ઠીક છે જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો જરા ઓઢશું
બાકી તો તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠો ઉકેલશું
આપણે ક્યાં કોથળાયે વીંટવાનો છોછ છે તે માગું હું કામળી ને કામળા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

આવી ગયો તો હવે મારી પણ રીત છે કે જાતે જાગીને કાંક માંડું
આખો દી તમને શું કહેવાનું હોય અમે સંસારે કાઢ્યું છે ગાંડું
આખી ચોપાટ મારે જાતે ઉકેલવી છે તમને શું અમથા ભગાડવા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા


 – ધ્રુવ ભટ્ટ