Saturday, June 27, 2009

સરનામું

થોડુ ચાલતાં
તું
હવે થાકી જાય છે
તારા હાથ ધ્રૂજે છે
શક્તિઓ બધી ક્ષીણ થતી જાય છે
‘જાય’ ત્યારે
સરનામું આપતી જજે
જરૂર પડશે
ફરી તારી કૂખે અવતરવા માટે !!

Thursday, June 25, 2009

આ ગુજરાત છે !

અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
બૉસ, આ ગુજરાત છે !

અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
યસ, આ ગુજરાત છે !

અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !

અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !

અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યાર, આ ગુજરાત છે !

અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
દોસ્ત, આ ગુજરાત છે !


- રોહિત શાહ

હૈયામાં ચોમાસું

છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,
છોકરાના હૈયે લીલોતરી
કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી

છોકરાએ મનમાં સગાઈ કરી
છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું
ખિસ્સામાં માય નહીં, છાતીમાં
મૂકે તો છોકરાને દર્દ થાય સામટું
છોકરાના હાથોમાં જાણે કે છોકરીએ
વરસાદી રેખાઓ કોતરી….છોકરીના

છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી
શ્રી ગણેશાય લખી નાખ્યું
મેઘધનુષ નામના મુહૂર્તમાં છોકરાએ
ફેરા ફરવાનુંય રાખ્યું
ગંગાને શોધતાં છોકરાને હાથ જાણે
લાગી ગઈ આખી ગંગોતરી…છોકરીના

– મુકેશ જોષી

વરસાદ એટલે શું ?




રમતાં રમતાં ધૂળના ખોબા ભરી ઢોળતા બાળક જેવું -
ટપકે નેવું.

પલળેલી ચકલી થથરાવી પાંખ પવનમાં પૂરે ઝીણી ફફરની રંગોળી.
નેવાં પરથી દડી જતું પાણીનું ટીપું પોતાનું આકાશ નાખતું ઢોળી.
એ પણ કેવું … !

દૂર કોઇના એક ઢાળિયા ઘરની ટોચે. નળિયામાંથી નીકળતો ધુમાડો.
કૂતરું અડધું ભસે એટલામાં ટાઢોદું ફરી વળે ને બૂરી દે તિરાડો.
કેવળ એવું … !

પીળી પડતી જતી છબી પર નજર જાય ને ફુરચા સરી પડે છે ભોંયે.
લીલા ઘાસની વચ્ચેથી પાણીની ઝાંખી સેર બનીને ફરવા નીકળ્યા હોંયે.
ખળખળ વહેવું … !

ઘરમાં સૂતો રહું ને મારા પગ રઝળે શેરીમાં, રઝળે ભીંતે કોરી આંખો.
હું માણસ ના થયો હોત ને હું ચકલી હોત ને મારી હોત પલળતી પાંખો.
કોને કહેવું ?

રમતાં રમતાં ધૂળના ખોબા ભરી ઢોળતા બાળક જેવું -
ટપકે નેવું.

- રમેશ પારેખ