Thursday, June 24, 2010

વરસાદે દીધી તાલી

આખો વરસાદ તારા ભાગમાં આવ્યો,
ને મારા ભાગનું ખાબોચિયુંય ખાલી;
કે મને તારા વરસાદે દીધી તાલી.

ચોમાસુ પોંખવાને રાત અને દિ’, અમે આકરા તે કીધાં’તાં તપ,
તોય કમજાત તારા શહેરમાં પડ્યો, ને મારા ગામડાના એળે આ જપ.
ઓણસાલ ચોમાસુ આભમાં નહીં, ને મારી આંખોમાં બેઠું છે ફાલી.
કે મને તારા વરસાદે દીધી તાલી.

ફરતો કસુંબો છે મારા તે હેતનો, તારી તે પ્રીત કેરા ડાયરા,
ચૂંદડી ને ચોખાની આણ છે તને, ઝટ વહેલા ભરાવ મારા માયરા.
થોડી લીલોતરી બાગમાં હતી, એય મેલીને આજ મને ચાલી.
કે મને તારા વરસાદે દીધી તાલી.

- જતીન બારોટ

વરસાદમાં

શૈશવ મને બસ સાંભરે વરસાદમાં,
ને પીઢતા પણ કરગરે વરસાદમાં.

તારૂં અહીંથી દૂર હોવું શ્રાપ છે,
નાજુક બદન આખું બળે વરસાદમાં.

એ પારદર્શક આવરણનું તૂટવું,
ને શખ્સ બીજો સળવળે વરસાદમાં.

સંવાદ ધરતી ને ગગનનો સાંભળું,
ટહુકા પ્રણયનાં પાંગરે વરસાદમાં.

થીજી ગયેલા વાદળાં પડખું ફરે,
ભૂતકાળ મારો વિસ્તરે વરસાદમાં.

- અશોક પંચાલ

છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં !


હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયા,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ, પછી ફરફરતી યાદ; એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં,
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઈને આવે ઉન્માદ એવું કાંઈ નહીં;
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘુંટીને સાનભાન ખોતું નથી;
કોઈના પાલવની ઝૂલ, ભીનીભીની થાય ભૂલ, રોમેરોમે સંવાદ એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

વરસાદ !!!

લીલાછમ પાંદડાએ મલકાતાં મલકાતાં
માંડેલી અચરજની વાત
ધરતીને સીમમાં જોઈ એકલી એને
બાઝી પડ્યો વરસાદ

પહેલી ટપાલ જેમ આવેલા વાયરાએ
ઘાસના કાનમાં દીધી કઈ ફૂંક
ધરતી તો સાંભળતા સાંભળે એ પહેલા
કોયલના કંઠમાંથી નીકળી ગઈ કુક
આઠ આઠ મહિને પણ આભને ઓચિંતી
ધરતીની આવી ગઈ યાદ ...

ડુંગરાઓ ચુપચાપ સ્નાન કરે જોઈને
નદીઓ પણ દોડી ગઈ દરિયાની પાસે
એવામાં આભ જરા નીચે ઝૂક્યું ને
પછી ધરતીને ચૂમી લીધી એક શ્વાશે
ધરતીને નારઓ ફૂટશેના વાવડથી
આભલામાં જાગ્યો ઉન્માદ.....

પેલો વરસાદ

પેલો વરસાદ એક વરસે આવે છે
તું તો રોજ મને આવી ભીંજવતી...
નિતરેલું ઝાડ જેમ ઊજવે ઊઘાડ
એમ લટકામાં પાછું ખીજવતી....
પેલો વરસાદ મને ખૂબ જ ગમે છે

કારણ કે ગમે છે તું....

હાથ તારો પકડીને આટલું ના બોલાયું
એમાં તો થઈ ગયું શું ?
ધરતીની તરસથી ઓળખાતો હું
ને તારે નામે છે દરિયાની ભરતી...
પેલો વરસાદ....

ઘેરાયા વિના પણ વરસી શકે છે

મને એની લાગે છે નવાઈ,
છત્રીને બંધ કરી હૈયું ખોલું છું
એ જ મારી સાચી કમાઈ...
હું જ મને શોધવાને આમ-તેમ ફરતો
ને તું જ મને સામેથી જડતી.....
પેલો વરસાદ...

ઓનબીટ
‘ભર વરસાદે અમે કોરા રહ્યાં
કોઈએ છત્રી ધરી પલળી ગયા !’
- કિસન સોસા