Tuesday, March 26, 2013

કોને ખબર?



પાંદળુ કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ
એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એના ઊત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો ‘રમેશ’,
કોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર ?

- રમેશ પારેખ

Sunday, February 3, 2013

અમથા અમથા



અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.

એક ખૂણામાં પડી રહેલા
હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઇ દી
બજવું નહીં બેસૂર:
રહ્યા મૂક થઇ, અબોલ મનડે
છાના છાના રડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

જનમ જનમ કંઇ ગયા વીતી ને
ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો
કર્યો ન કદીયે ડોળ:
અમે અમારે રહ્યા અઘોરી,
નહીં કોઇને નડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

આ જનમારે ગયા અચાનક
અડી કોઇના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા
તાર તારના નાથ:
સૂર સામટા રહ્યા સંચરી,
અંગ અંગથી દડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

હવે લાખ મથીએ, નવ તો યે
રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઇ કરી રહ્યું છે
સાંવરનું સામૈયું:
જુગ જુગ ઝંખ્યા સરોદ સ્વામી
જોતે જોતે જડ્યા. -
કે અમને રણઝણ મીણા ચડ્યા.

Monday, January 7, 2013

જન્મદિવસે …..



આમ તો દરેક દિવસ એ, ભગવાન!
તમે આપેલી તાજી ભેટ છે.
જાગ્રત માણસ માટે દરેક દિવસ નવી શરૂઆત બની શકે
પણ ભગવાન, આજે મારો જન્મદિવસ છે.
અને એટલે આજનો દીવસ
વિશેષ પ્રાર્થનાઓ, વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ છે.

આજના દીવસે, ભગવાન! હું
ધન, માન, કિર્તિ અને આરોગ્ય નથી માગતો
પણ આ બધું મને મળે
તો એનો ઉપયોગ હું સહુના કલ્યાણ અર્થે કરી શકું
એવો સર્વ પ્રત્યેનો મૈત્રીભાવ માગું છું.

આજના દીવસે, ભગવાન! હું એમ નથી માગતો કે
મારો રસ્તો સરળ બને, મારાં કાર્યો નિર્વિઘ્ને પાર પડે
પણ એમ બને, તો એ સફળતા મને કૃતજ્ઞ બનાવે
અને એમ ન બને, તો એ નિષ્ફળતા મને નમ્ર બનાવે
એ હું માગું છું.

દરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચડું
દરેક પગલે હું થોડોક વધુ તમારી નિકટ આવું
રોજ રોજ, કોઈક સત્કર્મથી મારા હ્રદયમાં રહેલા તમને વ્યક્ત કરું
દુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું
દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે
આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ બન્યું છે એમ કહી શકું
- એ હું માગું છું.

આ દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે
તે માટે હું તમારો આભાર માનું છું.
હું એવું હ્રદય માગું છું, જે આ દુનિયાને
તમારે માટે ચાહી શકે.
આ સૃષ્ટિ તમે આનંદ વડે આનંદ માટે સર્જી છે
એને હું મારા સ્વાર્થ અને બેકાળજીથી ક્ષતિ ન પહોંચાડું
મૂગાં પ્રાણિઓ અને મધુર વનસ્પતિ – સૃષ્ટિને ચાહું
હવા, પાણી અને ભૂમિને દૂષિત ન કરું

એક એક જન્મદિવસ આવે છે, એક એક વર્ષ જીવનમાં ઉમેરાય છે
એ મને યાદ આવે છે કે સમય કેટલી ઝડપથી વહી રહ્યો છે.
દરેક ક્ષણ મુલ્યવાન છે, અંત ક્યારે આવશે તેની ખબર નથી
આવતી કાલે કદાચ હું ન પણ હોઉં
તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું
દરેક દિવસે મારો નવો જન્મ થાય છે તેમ માનું
અને પ્રત્યેક દિવસે વિદાય લેવા
મારા જીવનની ચાદર ઉજળી રાખીને તમને ધરી દેવા તત્પર રહું
આજે, મારા જન્મદિવસે, ભગવાન!
એ હું તમારી પાસે માગું છું.

- કુંદનિકા કાપડીયા કૃત ‘પરમ સમીપે’ માંથી સાભાર

તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું



તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું

મેંદી ભરેલા હાથમાં એવી ભીનાશ ક્યાં
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું

તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?

આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
કહેવાને આમ સાત સમંદર તરી શકું

‘કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત પણ
ભેગા થયા છે લોક તો હું શું કરી શકું ?

- કૈલાસ પંડિત

એને સ્પર્શી અજવાળા કરું



તું જો આવે તો અછો વાનાં કરું
ને ગઝલથી સૌના મોં મીઠા કરું

સાત સપનાની ધરી દઉં છાબડી
બે’ક સૂકા પાંદડા લીલા કરું

જોવું, ગમવું, હસવું, મળવું, ચાહવું,
એવા ક્રિયાપદ બધા ભેગા કરું

કેટલી પ્રીતિ ને પીડા કેટલી?
એના ક્યાં લેખાં અને જોખાં કરું

શબ્દ પણ અમિલય અમીના છાંટણાં
શબ્દથી અરમાનને ભીના કરું

લે, વિરહની સાથે મૂકી દઉં મિલન
સંસ્મરણને એમ ખટમીઠાં કરું

શી ખબર ક્યારે થશે ભરભાંખડું
ચાલ, એને સ્પર્શી અજવાળા કરું