Friday, August 22, 2014

કેમ રોકશો !!

મારા સ્પર્શ ને રોકશો તમે ,
તમને સ્પર્શી મને અનુભવાતી હવાને કેમ રોકશો !!

તમને જોતા રોકશો મને ,
તમારી તસવીર ને નયનમાં ઉભરતી કેમ રોકશો !!

મદિરાલયમાં જતા રોકશો મને ,
તમારા નયનના જામ પીતા કેમ રોકશો મને !!

તમારા ડગ જોડે ડગ માંડતા રોકશો મને ,
તમારા પગલા પર ચાલતા કેમ રોકશો મને !!

તમારા જીવનમાં પ્રવેશતો રોકશો મને ,
તમારી યાદમાં જીવન વિતાવતો કેમ રોકશો મને !!
-: શૈલ્ય

Tuesday, August 5, 2014

મેં મૂકી દીધો છે મારો હાથ તારા હાથમાં


મેં મૂકી દીધો છે મારો હાથ તારા હાથમાં,
ભાગ્યને મારા હવે તું રાખ તારા હાથમાં.

ફૂલ કેવળ રાતરાણીનું નથી દીધું તને,
મેં મૂકી છે જાગતી એક રાત તારા હાથમાં.

હાથ તારો મેં અમસ્તો તો નથી ચૂમી લીધો,
મેં મૂકી છે ઝૂરતી એક વાત તારા હાથમાં.

જ્યારથી સ્પર્શ્યો છે એને ત્યારથી મહેક્યા કરું,
ફૂલ તો ખીલતાં નથી ને તારા હાથમાં ?

એ કેમ લંબાતો નથી હજી મારા તરફ ?
કેટલાં જન્મો તણો છે થાક તારા હાથમાં.

તું સજા આપે હવે કે તું આપે હવે ક્ષમા,
મેં મૂક્યાં છે મારા સઘળા વાંક તારા હાથમાં.

અર્થ એનો તારે મન કંઈ પણ ભલે ન હોય,
પણ એક ઝાંખું નામ છે, વાંચ, તારા હાથમાં.

લાવ એને આંખ પર મારી સતત રાખી મૂકું,
સળવળે છે ક્યારની એક પ્યાસ તારા હાથમાં.

એટલાં મજબૂત તારા હાથ હું કરતો રહીશ,
જેટલાં ઘાવ જમાનો કરશે તારા હાથમાં.

હાથ તારો પામવા બેચેન હાથો કેટલાં ?
જાણે કે જગની બધી નિરાંત તારા હાથમાં.

હાથ મારો તું નહી પકડી શકે જાહેરમાં,
કેટલાં દુનિયાએ મૂક્યાં કાપ તારા હાથમાં.

હું હવે જડમૂળથી ઉખડી ગયો છું
તું લાગણી જો હોય, પાછો સ્થાપ તારા હાથમાં.

એક મારા નામની એમાં કમી છે,
અન્યથાકેટલાં મંત્રો તણા છે જાપ તારા હાથમાં.
-: રૂષભ મહેતા

Friday, August 1, 2014

શું તું સમજી શકે છે મારી દ્વિધા?


તારા પર ગીત શું લખું હું કે તું છે મારી જીવતી ને જાગતી કવિતા,
શું તું સમજી શકે છે મારી દ્વિધા?
પાસે તું હોય તો બસ તારામાં લીન રહું,
દૂર હો તો ઓર લાગે પાસે;
તારા અહેસાસનો પ્રાણવાયુ પી-પીને
રક્તકણો નીકળે પ્રવાસે,
શાહીમાં ડૂબેલ આ બ્લૉટિંગ પેપર ઉપર કેમ કરી પાડું હું લીટા ?
શું તું સમજી શકે છે મારી દ્વિધા?
સાચી મજા તો બસ, માણવામાં હોય,
સ્થૂળ વર્ણન તો ક્ષણનો બગાડ;
કોરાંકટ કાગળની ભરચક્ક ગલીઓમાં
પ્રેમ પ્રેમ પ્રેમ બૂમ પાડ
હોવાના અધ્યાય ત્યાં લખ્યા છે સાથ-સાથ, એથી વિશેષ કઈ ગીતા?
શું તું સમજી શકે છે મારી દ્વિધા?
-વિવેક મનહર ટેલર
(૧૩-૦૪-૨૦૧૩)