Thursday, November 29, 2012

આ યાદ છે આપની કે

આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?

હું તને એમ નહીં પૂછું

હું તને એમ નહીં પૂછું
“તારી આંખમાં આંસુ કેમ છે ?”
માત્ર એટલું જ કહીશ
“આવ, મારી બાજુમાં બેસ !”

Tuesday, November 27, 2012

તારી ને મારી વાત


શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત

છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.

અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.

આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.

રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.

એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.

રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.

Thursday, November 22, 2012

ભૂલી જા


દૂખ ભૂલી જા દિવાલ ભૂલી જા
થઈ જશે તૂં યે ન્યાલ ભૂલી જા

જીવ કર મા ધમાલ ભૂલી જા
એનો ક્યાંછે નિકાલ ભૂલી જા

જો સુખી થવું જવું હોય તારે
તો જે થતાં સવાલ ભૂલી જા

મૌન રહી મિત્રતાનુ ગૌરવ કર
કોણે ચાલી હતી ચાલ ભૂલી જા

રાખ મા યાદ ઘા કર્યો કોણે
ને તું બન્યો કોની ઢાલ ભૂલી જા

એ નથી પંહોચવાની એને ત્યાં
તેં લખી તી ટપાલ ભૂલી જા

ઘેર જઈ ધોઈ નાખ પહેરણ તું
કોણે છાંટ્યો ગુલાલ ભૂલી જા

રાસ તારે નિરખવો હોય ખરો
હાથ સળગ્યો કે મશાલ ભૂલી જા

બે લખી ગઝલ મોથ શું મારી
એ તારી ક્યાં કમાલ ભૂલી જા

- મનોજ ખંડેરિયા

તને મોડેથી સમજાશે


સમી સાંજે ઝૂકી આંખે બગીચે બાકડે બેસી અને એકાંત પી જાવું… તને મોડેથી સમજાશે
સમયસર ચાલવા જાવુ. ઉદાસી ઢાંકવા જાવું અને ટોળે ભળી જાવું… તને મોડેથી સમજાશે
અજાણી આ સફર વચ્ચે અરીસાના નગર વચ્ચે ન ગમતી સૌ નજર વચ્ચે અને આઠે પ્રહર વચ્ચે,
મળીને જાતને સામે જરા અમથુ હસી લઈને ખુદીને છેતરી જાવું … તને મોડેથી સમજાશે
ઘણાં વરસો પછી એવું બને ગમતી ગલીમાથી સહજ રીતે નીકળવાનું બને ધબકાર જૂના લઈ
પછી મનગમતો ત્યાંથી સાદ આવે યાદનો વરસાદ આવે પણ, ફરી જાવું… તને મોડેથી સમજાશે
લઈ તીરાડ ચહેરા પર ધ્રુજારી હાથમાં લઈને, સમયના ફૂલની ખુશ્બૂ સતત આ શ્વાસમાં લઈને
સફેદી થઈ અરીસે જઈ ધરીને મૌન હોઠો પર નજરથી કરગરી જાવું … તને મોડેથી સમજાશે

Tuesday, November 6, 2012

તું અને હું જાણે સામા કિનારા


તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદળ વૈશાખના
પણ મૌન કંઈ કહેતું એ શું?
હળવેથી વાતી આ લેહેરાતી લેરખી
ને લેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
ને એમાં કદબંની આ છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?
શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલીપો ઓઢીને સુતું આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ રુદિયામાં રોતું એ શું?
તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?

પ્રેમપત્ર


પત્રમાં પ્રીતમ લખું કે સખા, સાજન લખું?
શબ્દો હું મઘમઘ લખું, મૌનની સરગમ લખું. 
તું યે કોરો ના રહે, જો તને લથબથ લખું,
આજ તોડું હદ બધી… બસ લખું, અનહદ લખું !
ઝાંઝવાનાં જળ છળું, મેહુલો છમછમ લખું,
તારી કોરી ધરતી પર હું મને ખળખળ લખું.
પથ્થરોનાં વનનાં હર પહાણ પર ધડકન લખું,
કાળજાની કોર પર લાગણી મધ્ધમ લખું.
રાત દિનની દરમિયાં કૈંક તો સગપણ લખું,
આભ અવનિને મળે, એક મિલનનું સ્થળ લખું.
દોહ્યલાં જીવનમાં એક સાહસી અવસર લખું,
સ્નેહનાં હર તાંતણે શૌર્યનાં હું વળ લખું.
માંહ્યલામાં ચાલતી કાયમી ચળવળ લખું,
દિલમાં તારા શું હશે? રેશમી અટકળ લખું.
લાવ તારા હાથમાં વ્હાલ હું અણનમ લખું,
ભાગ્યમાં હું એક બે પ્રેમઘેલી પળ લખું.
આટલું વ્હાલમ તને વ્હાલથી વ્હાલપ લખું,
ઊર્મિનાં લિખિતંગ લખું, સ્નેહનાં પરિમલ લખું.

 – ઊર્મિ